મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,719 થયો છે. લશ્કરી સરકારના મતે, આ આંકડો 3000 સુધી પહોંચવાની શક્યતા છે. તે જ સમયે, ઘાયલોની સંખ્યા 4500થી વધુ થઈ ગઈ છે. 441 લોકો હજુ પણ ગુમ છે.
આ દુર્ઘટના બાદ સોમવારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. લશ્કરી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 6 એપ્રિલ સુધી દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
28 માર્ચે મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ 200 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGS)એ ભય વ્યક્ત કર્યો છે કે મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે.
મંગળવારે, ભારતીય નૌકાદળના જહાજો INS સતપુરા અને INS સાવિત્રી લગભગ 40 ટન રાહત સામગ્રી લઈને યાંગોન પહોંચ્યા. અગાઉ 30 માર્ચે, INS કર્મુક અને LCU 52 શ્રીવિજયપુરમથી 30 ટન રાહત સામગ્રી સાથે રવાના થયા હતા. તેઓ આજે યાંગોન પહોંચ્યા.
રાહત કામગીરીને વધુ મજબૂત બનાવતા, ભારતીય નૌકાદળનું જહાજ INS ઘરિયાલ લગભગ 440 ટન રાહત સામગ્રી લઈ જઈ રહ્યું છે. જેમાં ચોખા, ખાદ્ય તેલ અને દવાઓનો સમાવેશ થાય છે.