છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં પણ હોળીનું વધુ મહત્વ હોઇ ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે આ તહેવાર ઉજવાતો હોય છે. ગુરુવારથી હોળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે પરપ્રાંતમાં કે પરરાજ્યમાં મજૂરી અર્થે તથા ધંધો રોજગાર કરવા ગયેલા આદિવાસીઓ બસો તથા ટ્રાવેલ્સ દ્વારા માદરે વતન પરત ફરી રહ્યા છે.
છોટાઉદેપુર પંથકમાં 12 મહિનામાં આવતા હોળીના તહેવારનું અનેરું મહત્વ છે. દિવાળી કરતાં પણ વધુ ઉમંગ ઉત્સાહ સાથે હોળી મનાવવામાં આવે છે. રામ ઢોલ, ત્રાંસા, કરતાલ, પાવા, વાંસળી તેમજ નાચગાન સાથે વિધિવત રીતે હોળીના તહેવારમાં મેળાઓનું પણ આયોજન કરાય છે. પ્રાચીન કાળથી આદિવાસી પરંપરા મુજબ તહેવાર દરમિયાન પૂજન અર્ચન કરી વર્ષ દરમિયાન રાખેલી બાધાઓ પૂર્ણ કરવામાં આવે છે. તથા નવી બાધાઓ રાખવામાં આવે છે.
બીજા દિવસે ધુળેટીના દિવસને આદિવાસીભાષામાં ચુલનો દિવસ કહેવાય છે. જેમાં ઘરમાં કોઇ બીમાર હોય, તથા ઘરમાં શુભ કામ અર્થે ધગધગતા અંગારા ઉપર ચાલવાની બાધા રખાય છે. તથા ધગધગતા અંગારામાં ઉભા રહી શ્રીફળ વધેરવામાં આવે છે. આવી વર્ષો જૂની પરંપરાગત પ્રણાલી ચાલતી આવી છે. આમ છોટાઉદેપુર પંથકમાં હોળીનો તહેવાર મુખ્ય હોવાથી તેને ઉજવવા અર્થે આદિવાસીઓ પરત પોતાના ઘરે આવી રહ્યા છે.