રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને કાલથી વાતાવરણ ચોખ્ખું થશે. તેમજ ક્રમશ: તાપમાન વધતું જશે. જે એક સપ્તાહ સુધી જળવાઈ રહેશે અને માસના ત્રીજા સપ્તાહથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 20 મે સુધી તાપમાન ઊંચું રહેશે. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી રહ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું હતું. એ સિવાય ભાવનગરમાં 37.8, દ્વારકા 32.00, ઓખા 32.9, પોરબંદર 34, વેરાવળ 32.5, મહુવા 35.8, કેશોદમાં 35.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, બોટાદમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વરસાદ પૂર્વે તેજ ગતિથી પવન ફૂંકાઈ શકે છે. તેમજ ગાજવીજ થવાની સંભાવના છે. જોકે રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું.