એશિયા કપ જીત્યાના 3 દિવસ પછી જ ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટની સિરીઝ રમવા માટે તૈયાર છે. T20નો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ ઘરઆંગણે મેદાન પર પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. તેની લીડરશિપમાં ભારતે ઇંગ્લેન્ડમાં પહેલી સિરીઝ 2-2થી ડ્રો રમી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટૉસ 9 વાગ્યે થવાનો છે. વળી, મુકાબલા માટે લાલ માટીની પીચનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, પીચ પર થોડું ઘાસ પણ રહેશે. જેને જોતાં ટૉસ જીતનાર ટીમ કન્ફ્યુઝનની સ્થિતિમાં રહી શકે છે કે પહેલાં બેટિંગ પસંદ કરવી કે બોલિંગ.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી કારમી હાર મળી હતી. જે ઘરઆંગણે 12 વર્ષમાં ટીમની પહેલી જ સિરીઝ હાર હતી. સિરીઝનો ભાગ રહેલા રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. અશ્વિનની ગેરહાજરીમાં તો ટીમ ઈન્ડિયા નવેમ્બર 2010 પછી પહેલીવાર જ ઘરમાં ટેસ્ટ રમશે.
શુભમન ગિલની પણ આ પોતાની કેપ્ટનશિપમાં ઘરેલુ મેદાન પર પહેલી જ ટેસ્ટ સિરીઝ છે. તેણે ઇંગ્લેન્ડ સામે જુલાઈમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફીથી પોતાની કેપ્ટનશિપ કરિયર શરૂ કર્યો હતો. 5 ટેસ્ટની સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. યુવા ટીમ સાથે શુભમન સામે આ ઘર પર પહેલો જ પડકાર છે.