જામકંડોરણાનાં રાયડી ગામે નારી સંમેલન યોજાયું હતું જેમાં મહિલાઓને યોજનાઓ તથા સહાય અંગે અપાયું માર્ગદર્શન અપાયું હતું
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને જામકંડોરણાના રાયડી મુકામે મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી નારી સંમેલનનું આયોજન કરાયું હતું.
પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં સ્ત્રીઓ ઘરનો ઉંબરો ઓળંગી શકતી નહોંતી. આજે આ સ્ત્રીઓ ઉંબરો નહીં પૃથ્વીને વળોટી નવી દિશામાં આગળ વધી રહી છે. સ્ત્રીઓએ પોતાની શક્તિઓનું સમાજના હિતમાં યોગદાન આપવું જોઈએ.દેશ તો જ મજબૂત બનશે, જો મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ મહિલાઓને પોતાની શક્તિઓને જાણી જાગૃત બનવા સંકલ્પ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરે મહિલાઓને નિ:સંકોચ બની આગળ વધવા સાથે ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા આહવાન આપ્યું હતું. કંચનબેન બગડાએ હળવી શૈલીમાં મહિલાઓને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ કોઈ પણ પરિસ્થિતિમાં સંઘર્ષ, સહજતા અને કુનેહથી તમામ કાર્ય પાર પાડી શકે છે ત્યારે ભવિષ્યની પેઢીને તૈયાર કરવામાં દીકરીઓને શિક્ષણ આપી તેમને ઉન્નત શિખરે પહોંચાડવા માટે આજની મહિલાઓએ યોગદાન આપવું જોઈએ. ૧૮૧ અભયમ હેલ્પલાઇનના લતાબેન ચૌધરીએ હેલ્પલાઇન વિશે માહિતી આપી, એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલરએ તમામ સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી. જામકંડોરણા તાલુકાના નારી અદાલતના કો-ઓર્ડીનેટર મિતલબેન કંડોરીયાએ સ્ત્રીઓના આધુનિક સ્વરૂપ વિષે જણાવી સ્ત્રી પુરુષ સમાનતા, કામકાજના સ્થળે સ્ત્રીઓની સુરક્ષા, નારી અદાલતની કામગીરી અને ન્યાયિક પ્રક્રિયા વિશે જણાવ્યું હતું.