સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને તેમની મૂળ કોર્ટ (અલ્હાબાદ હાઇકોર્ટ)માં પાછા ટ્રાન્સફર કરવાની ભલામણ કરતો પ્રસ્તાવ જારી કર્યો છે. આ ભલામણ CJI સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે.
તે જ સમયે, અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશને સુપ્રીમ કોર્ટ કોલેજિયમના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. 23 માર્ચે, અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશને દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ પાછા મોકલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
બારે સામાન્ય ગૃહની બેઠક બોલાવી હતી. જેમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માંગણી કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે, ED અને CBI દ્વારા કેસની તપાસની માગ કરતો પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની એક નકલ સુપ્રીમ કોર્ટના સીજેઆઈને પણ મોકલવામાં આવી છે.
14 માર્ચની રાત્રે લુટિયન્સ દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગી હતી. તેના ઘરના એક સ્ટોર જેવા રૂમમાંથી બળી ગયેલી 500 રૂપિયાની નોટોના બંડલો ભરેલી બોરીઓ મળી આવી હતી. આટલી બધી રોકડ ક્યાંથી આવી તે સવાલ ઉભો થયો. મામલો વધુ વકર્યો.