26 માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી (GJ 18 JB 7819) એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. આ ત્રણેય મૃતકોમાંથી એક હોમગાર્ડ જવાન રવીન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડના મૃતદેહને અમદાવાદમાં લાવવામાં આવ્યાં છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિતના મૃતદેહને તેના વતન તાપી લઈ જવામાં આવી રહ્યો છે. આજે ગાર્ડ ઓફ હોનર સાથે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પોલીસ કમિશનર જી. એસ. મલિક મૃતકના પરિવારજનોને મળ્યા હતા. પરિવારમાં કોણ કોણ છે? તેમની વિશે પૂછ્યું હતું. મૃતકના પરિવારને આ દુઃખમાં સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી.
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી, હોમગાર્ડ અને ડ્રાઇવરના મૃતદેહ અમદાવાદ લવાયા છે. અમદાવાદ પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, હોમગાર્ડના અધિકારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પોલીસકર્મી સુનિલ ગામિત, કારચાલક ઘનશ્યામ કનુભાઈ ભરવાડ અને હોમગાર્ડ રવિન્દ્રસિંહ ક્ષત્રીયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તમામ મૃતકના પરિવારના સભ્યો પણ હાજર છે. પરિવારના સભ્યોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી. પરિવાર તમામ મૃતકોને લઈને ઘરે જશે.