ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી બીજી વનડે જીતી સિરીઝમાં 1-1ની બરાબરી કરી છે. સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો મંગળવારે દિલ્હીમાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝમાં 2 મેચ રમાઈ ચૂકી છે. જેમાં પ્રથમ મેચ આફ્રિકા જીતી હતી, જ્યારે બીજી મેચ ઈન્ડિયા જીતી હતી. સિરીઝમાં 1-1ની બરાબરી થઈ ચૂકી છે. ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મંગળવારે દિલ્હીમાં રમાશે. પરંતુ આ મેચ રદ્દ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી દિલ્હીમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદની અસર મેચ પર થાય તેવી શક્યતા રહેલી છે.
સ્ટેડિયમ મેનેજમેન્ટ સામે મેદાનને સૂકવવું એ મોટો પડકાર છે. મેદાનને રમવા લાયક બનાવવા થોડી ક્ષણો માટે તડકો આવવો જરૂરી છે. સિરીઝની પહેલી મેચ લખનઉમાં થઈ હતી. ત્યાં પણ ભારે વરસાદ થયો હતો, પરંતુ થોડા કલાકોમાં મેદાનને સુકવી દેવામાં આવ્યું હતું. મેદાનમાં ડ્રેનેજ વ્યવસ્થા સારી હોવાને કારણે તે શક્ય બન્યું હતું.