રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ખાનગી શાળા ન્યૂ ફ્લોરાએ AI આધારિત રોબોટની રચના કરી છે, જે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સરળ અને રસપ્રદ રીતે શિક્ષા આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા આ રોબોટ માત્ર વિદ્યાર્થીઓને ભણાવે છે તેવું નથી પણ તેમના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે. રોબોટ ડેવલોપર્સ શાળા સંચાલકનું કહેવું છે કે, ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે KG થી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષય ભણાવી શકે છે.
રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે. રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે. રોબો ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે. આ શાળામાં રોજ 1 પિરિયડ રોબોટ લે છે. શહેરના કુવાડવા રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકે કહ્યું કે, અમે આ રોબોટમાં ઘણા સોફ્ટવેર, હાર્ડવેર અને એઆઈ ટેક્નોલોજીની મદદ લીધી છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ એક ખાસ પિરિયડ રાખવામાં આવે છે, જ્યાં આ AI રોબોટ શિક્ષક ભણાવે છે. રોબોટનો અવાજ સ્પષ્ટ છે, તેમજ તે વિવિધ ઉદાહરણો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયને વધુ સરળ બનાવે છે. આ રોબોટ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને વિદ્યાર્થીઓની શંકાઓ પણ દૂર કરી શકે છે. આ રોબોટમાં બેટરી નથી પણ તે ઈલેક્ટ્રિક કનેક્શન અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવામાં આવ્યો છે.