પાકિસ્તાન સમર્થિત આંતકી સંગઠન લશ્કર-એ- તોઈબાએ કાશ્મીરમાં પોતાના આતંકીઓ સુધી ઘાતક હથિયારો અને વિસ્ફોટક પહોંચાડવા માટે પોતાની વ્યૂહરચના બદલી નાંખી છે. પહેલાં પાકિસ્તાનથી સીધી રીતે કાશ્મીરમાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પહોંચી રહ્યો હતો પરંતુ હવે આ હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો વાયા પંજાબ થઇને કાશ્મીરમાં સક્રિય લશ્કરના આતંકીઓ સુધી પહોંચી રહ્યો છે.
આતંકી સંગઠન લશ્કરના આતંકીઓ સુધી હવે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પહોંચાડવાનું કામ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા ખાલિસ્તાની આતંકીઓ કરી રહ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ દ્વારા દેશમાં અન્ય આતંકી સંગઠનો સુધી પણ હથિયારો પહોંચાડવામાં આવી રહ્યાં છે. આતંકી સંગઠનના આતંકીઓના સ્લીપર સેલ સુધી હથિયારો પહોંચાડવામાં આવી રહ્યાં છે.
બીએસએફના કડક વલણની અસર : કાશ્મીરમાં દાણચોરી પર સંપૂર્ણ બ્રેક
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓએ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનના સરહદી ક્ષેત્રોમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરી અથવા તો દાણચોરી સાથે સંબંધિત સામગ્રી લાવવા અને હથિયારો પહોંચાડવા માટેની તમામ ચેનલોને બંધ કરી દીધી છે. સુરંગ અથવા તો ડ્રોન મારફતે વિસ્ફોટક હથિયારો પહેલાં પહોંચાડવામાં આવતાં હતાં. બીએસએફ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કડક પગલાંની અસર હવે દેખાઇ રહી છે. ગુપ્તચર સંસ્થાઓ સાથે જોડાયેલાં સૂત્રોના કહેવા મુજબ આ જ કારણસર આતંકી સંગઠન લશ્કર-એ- તોઇબાએ કાશ્મીરમાં છુપાયેલા પોતાના સ્લીપર સેલના આતંકીઓ સુધી હથિયારો પહોંચાડવા માટેની પોતાની રણનીતિ બદલી નાંખી છે.