રાજકોટના જંગલેશ્વર શેરી નંબર 5માં હસનશા પીર દરગાહ પાસે રહેતા મુસ્લિમ પરિવારની 5 વર્ષની નુરફાતેમા અને 7 વર્ષની ફિરદોશ સમા એમ બન્ને બહેનોએ 30 દિવસનાં રોજા રહીને ધાર્મિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગઈકાલે રાત્રે ઈદનો ચાંદ દેખાતા આજે તમામ ઇસ્લામ ધર્મના લોકો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામા આવી રહી છે, ત્યારે રાજકોટની આ બન્ને દીકરીઓ 1 માસ સુધી ભૂખ્યા પેટે પાણી પીધા વિના રહીને રોજા પૂર્ણ કર્યા છે.
ગુલાબ ઈસ્માઈલભાઈ સમાએ જણાવ્યું હતું કે, મારી બંને દીકરીઓએ રોજા રહીને ખૂબ જ સારું કામ કર્યું છે. છેલ્લા બે વર્ષથી બંને દીકરીઓ 3-3 રોજા જ રહે છે, પરંતુ આ વખતે પુરા એક મહિના એટલે કે 30 દિવસના રોજા આ દીકરીઓ રહી છે. ઘરના અન્ય સભ્યોને જોઈને બંને દીકરીઓને રોજા રહેવા માટે પ્રેરણા મળી હતી. જેમાં મોટી દીકરી ફિરદોશ સમા 7 વર્ષની તો નાની દિકરી નુરફાતેમા 5 વર્ષની છે. મોટી દીકરી રાજમંદિર સ્કૂલમાં ધોરણ 1મા તો નાની દીકરી બાલમંદિરમાં અભ્યાસ કરે છે.