છેલ્લાં 6 વર્ષમાં 180 અબજ ડૉલર (14.76 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ હાંસલ કરનાર ભારતીય સ્ટાર્ટઅપ્સ આ વર્ષે સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. રોકાણ સતત ઘટી રહ્યું છે. નોકરી પણ મર્યાદિત થઇ છે. અનેક સ્ટાર્ટઅપ્સ કર્મચારીઓનો પગાર વધારવાને બદલે ઘટાડવા પર વિચારી રહ્યાં છે. સંકટના આ દોરમાં નાણામંત્રાલયે 21 દેશો સિવાયના અન્ય દરેક દેશોમાંથી આવતા વિદેશી ફંડ પર એન્જલ ટેક્સ લગાડ્યો છે. જેને કારણે સ્ટાર્ટઅપ સેક્ટર ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે નવા સ્ટાર્ટઅપ્સ જ્યારે પોતાના શેર્સની વેલ્યૂ વધારીને વિદેશી રોકાણ હાંસલ કરે છે તો વધેલાં વેલ્યૂયેશન પર હવે એન્જલ ટેક્સ લાગશે. જોકે અમેરિકા - ઇંગ્લેન્ડ સહિત 21 દેશોને આ ટેક્સના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. કેટલાક રેગ્યુલેટેડ ફંડ્સને પણ છૂટ અપાઇ છે.