રાજકોટમાં જીવલેણ અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. માધાપર ચોકડી પાસે બાઇક સ્લિપ થતા ફંગોળાયેલ બાળક ટ્રકની ઠોકરે ચડી જતાં તેનું મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.બનાવમાં ગુંદાસરા ગામે માતાના ઘેર રહેતી બિહારની પરિણીતા પોતાના ભાઇ, પુત્ર સાથે રાજકોટ ગોલા ખાવા આવતા હતા ત્યારે આ બાળકનું મોત થયાનું અને જેમાં માતા અને મામાનો બચાવ થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુંદાસરા ગામે રહેતા સંગીતાબેનના ઘેર ત્રણેક માસથી રહેતી અને મૂળ બિહારની ખુશીબેન પંકજભાઇ ચૌધરી (ઉ.22)નામની પરિણીતા અને તેનો પુત્ર હાર્દિક (ઉ.6) મંગળવારે પોતાના કૌટુંબિક ભાઇ વિક્રમના બાઇકમાં બેસી રાજકોટ ગોલા ખાવા આવતા હતા ત્યારે માધાપર ચોકડી પાસે સ્પીડબ્રેકર આવતા બાઇક સ્લિપ થતા બાઇકચાલક વિક્રમ, પાછળ બેઠેલી માતા અને બાળક એમ ત્રણેય ફંગોળાયા હતા.
આ વખતે હાર્દિક દૂર ફંગોળાયેલો હોય પૂરપાટ આવતી ટ્રકની ઠોકરે ચડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા મૃતક બાળકના પિતા હાલ બિહાર ખેતીકામ કરતા હોય અને માતા સાથે બાળક તેના નાની નાના સાથે રહેતો હતો.