માત્ર 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરી માતા બનાવનાર મૂળ મધ્યપ્રદેશના લાલા પ્રતાપ ભૂરિયા સામે કેસ ચાલી જતા ખાસ અદાલતે દોષિત ઠેરવી જીવે ત્યાં સુધીની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનાર તરુણીને રૂ.4 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
રાજકોટ તાલુકાના લાપાસરી ગામ પાસેના ઇંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરુણીનું આરોપી લાલો લગ્નની લાલચ આપી તા.29-11-2019ના રોજ અપહરણ કરી ગયો હતો. પરિવારજનોએ લાંબો સમય તપાસ કર્યા બાદ ત્રણ મહિના બાદ પુત્રીને લાલો ભગાડી ગયાની ખબર પડતા તા.1-2-2020ના આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એક વર્ષ બાદ લાલો અને તરુણીની ભાળ પોલીસને મળી હતી. જ્યારે ભાળ મળી ત્યારે તરુણી એક સંતાનની માતા બની ગઇ હતી.
બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે સ્પે.કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ રજૂ થયા બાદ પોક્સોની ખાસ અદાલતમાં જજ જે.ડી. સુથાર સમક્ષ કેસ શરૂ થયો હતો. અદાલતે ભોગ બનનાર તરુણી, ફરિયાદ નોંધાવનાર, તપાસનીશ અધિકારી અને તબીબની જુબાની લીધી હતી. ત્યારે સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ મુકેશ જી.પીપળિયાએ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી. આરોપી જ્યારે તરુણીને ભગાડી ગયો ત્યારે તેની ઉંમર માત્ર 12 વર્ષ અને 3 મહિના હતી. તરુણીની ઉંમર નાની હોવાનું જાણવા છતાં આરોપી લાલો તેને ભગાડી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
જેને કારણે તરુણી એક સંતાનની માતા બની ગઇ છે. એટલું જ નહિ ડીએનએ રિપોર્ટમાં પણ તે સંતાન આરોપી લાલાનું જ હોવાનું પુરવાર થયું છે. ત્યારે આવા ગુનામાં આરોપીને દાખલારૂપ સજા ફટકારવા રજૂઆત કરી હતી. સરકારી વકીલની રજૂઆત અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી ખાસ અદાલતે આરોપીને દોષિત ઠેરવી કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીની (આજીવન) સજાનો હુકમ કર્યો છે.