ગત સપ્તાહે વૈશ્વિક શેરબજારોમાં અમેરિકાના આંકડા પૂર્વે સાર્વત્રિક તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ અવિરત તેજી સાથે સપ્તાહનો અંત આવ્યો હતો. અમેરિકાના ફુગાવાના આંક પૂર્વે અમેરિકી શેરબજારમાં તેજી સાથે એશિયાના બજારો અને યુરોપના બજારોમાં મોટી તેજી થઈ હતી. ભારતીય શેરબજારમાં પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વોક્સવેગન સાથે બેટરી સેગ્મેન્ટમાં સપ્લાય ડિલ કર્યાના અહેવાલે મહિન્દ્રા, મારૂતી સુઝુકીની આગેવાનીએ ઓટો શેરોમાં આક્રમક તેજી થઈ હતી.
જ્યારે આઈટી શેરોમાં વિપ્રોની અગ્રેસરતામાં ફંડો મોટાપાયે ખરીદદાર બનતાં અને લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ કેપિટલ ગુડઝ શેરો અને એફએમસીજી શેરોમાં શોર્ટ કવરિંગ થતાં ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ઊંચા આર્થિક વિકાસ દરને પગલે ચીનનું ઈન્વેસ્ટમેન્ટસ હવે ભારત તરફ આવી રહ્યું છે. ભારતનો લાંબા ગાળાનો આર્થિક વિકાસ દર 6.50% અથવા તો તેનાથી સહેજ આગળ તરફ વધી રહ્યો છે, ઉપરાંત આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 6.30% રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. જે રિઝર્વ બેન્કના 7%ના અંદાજથી નીચી છે. ભારતની લોકસંખ્યાનું કદ, સરકાર દ્વારા જંગી મૂડીખર્ચ તથા તંદૂરસ્ત ઘરેલું માગને જોતા ભારતમાં ઈન્વેસ્ટમેન્ટસ માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે.
વિવિધ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પણ વર્તમાન તથા આગામી નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરને લઈને આશાવાદી છે. ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ, ખાનગી ક્ષેત્ર તરફથી ઈન્વેસ્ટમેન્ટસ વધવાની ગોલ્ડમેને અપેક્ષા વ્યકત કરી છે. દેશની નાણાં નીતિનો થોડોઘણો આધાર અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણય પર પણ આધાર રાખે છે. રિઝર્વ બેન્કના હવે પછીના નિર્ણય લિક્વિડિટી વધારવા તથા વ્યાજ દર ઘટાડવા તરફી રહેશે. વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં રિઝર્વ બેન્ક બે વખત વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.