ભારતીય આઇટી સેક્ટરમાં સતત બીજા વર્ષે આવક વૃદ્ધિ મંદ રહેવાનો અંદાજ છે. વર્ષ દરમિયાન યુરોપ અને યુએસ જેવા માર્કેટમાં ટેક્નોલોજી પર ખર્ચમાં સામાન્ય વૃદ્ધિને કારણે આવક પણ મંદ રહેવાની ધારણા રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ક્રિસિલ અનુસાર નાણાકીય વર્ષ 2025માં સેક્ટર 5-7%ના દરે વૃદ્ધિ પામશે, નાણાકીય વર્ષ 2024માં અંદાજે 6%ના ગ્રોથનું અનુમાન છે.
ઇન્ડસ્ટ્રીનું કદ અંદાજે $250 અબજ છે અને તેનાથી 50 લાખ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થાય છે. ક્રિસિલના ડિરેક્ટર આદિત્ય ઝવેરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ટેક્નોલોજી પર ખર્ચમાં સ્લોડાઉન રહેશે જેને કારણે આઇટી સર્વિસ પ્રદાતાની આવકમાં ઘટાડો જોવા મળશે. ઇન્ડસ્ટ્રીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22-23% પર સ્થિર રહેશે. કર્મચારી પર ખર્ચનું યોગ્ય સંચાલનને કારણે તે શક્ય બનશે. વર્ષ 2024 દરમિયાન સેક્ટોરલ રેવેન્યૂમાં 12%ના CAGR દરે વૃદ્ધિ નોંધાઇ હતી.
આર્થિક મંદીને કારણે કંપનીઓ દ્વારા બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સ (BFSI), રિટેલ ટેક્નોલોજી અને કમ્યુનિકેશન સેક્ટર્સમાં ટેક્નોલોજીમાં ખર્ચ ઘટ્યો હતો જેનો ગ્રોથ સિંગલ ડિજિટમાં રહ્યો હતો. ઇન્ડસ્ટ્રીની આવકમાં આ ચાર સેક્ટર્સ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. 2025 દરમિયાન BFSI અને રિટેલ સેગમેન્ટની આવકમાં 4-5%ની વૃદ્ધિ જોવા મળી છે.