ગુજરાત ATSએ તાજેતરમાં જ રાજ્યભરમાંથી અનેક લોકોને અન્ય રાજ્યમાંથી હથિયાર ખરીદવાના પ્રકરણમાં ધરપકડ કરી છે. આ પકડાયેલા આરોપીઓમાં લોકોમાં સીનસપાટા મારવા અન્ય રાજ્યમાંથી લાઇસન્સ અને હથિયારનું સેટિંગ પાડતા હોવાનું પણ ATSની તપાસમાં ખુલ્યું છે, ત્યારે આ ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીનું નામ વિશાલ પંડ્યા છે જેની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. વિશાલ પંડ્યા VHPનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSએ સુરેન્દ્રનગર, અમદાવાદ અને સુરતમાંથી ગેરકાયદેસર હથિયાર અને લાઇસન્સ પ્રકરણમાં મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 20થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પણ હવે આ આરોપીઓના પોલિટિકલ સંબંધ હોવાનું સામે આવી રહ્યું છે. હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં થોડા સમય પહેલાં પાલડીના વણીકર ભવનના નવીનીકરણનું ખાતમુહૂર્ત હતું. તે સમયે મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને અલગ અલગ દાતાઓના નામની જાહેરાત થઈ હતી. ત્યારે એક નામ તેમાં વિશાલ પંડ્યાનું હતું. આ વિશાલ પંડ્યા VHPનો કાર્યકર છે અને હાલ તે હથિયારોના કૌભાંડમાં ATSની પકડમાં છે.