રાજકોટ જિલ્લામાં નજીક ભૂપગઢ પાસે ગઈકાલે 19 એપ્રિલના રોજ કાર અકસ્માતમાં ગોંડલમાં રહેતા એક જ કુટુંબના ચાર લોકોના મોત થયા હતા. અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અલ્ટો કારમાં સવાર 4 લોકોઆ મોત થયા હતા, જયારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આજે ગોંડલમાં મૃતક ચાર કુટુંબીજનોની એક સાથે અંતિમયાત્રા નીકળતા શહેર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આ મૃતકોમાં હેમાંશી સરવૈયા નામની મહિલાના 2 મહિના પહેલા જ સાહીલ સરવૈયા સાથે લગ્ન થયા હતા. હાલ તેમના પતિ સારવાર હેઠળ છે. જેથી તેમના દિયરે અગ્નિદાહ આપ્યો હતો.
ગોંડલના વોરા કોટડા રોડ પર વિજયનગરમાં અતુલભાઈ મકવાણાના નિવાસ સ્થાને શોકનું મોજું ફરી વળ્યું છે. સગા-સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. બપોરે 2 વાગ્યે ચારેય મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું. અંતિમયાત્રા વિજયનગરથી નીકળી ભોજરાજપરા માર્ગ નંબર-31થી પસાર થઈને ગોંડલી નદી કિનારે મુક્તિધામ પહોંચી હતી, જ્યાં તમામની અંતિમવિધિ કરવામાં આવી હતી. ભત્રીજા વિવેકે નિરુબેન અને તેમની પુત્રી હેત્વીને અગ્નિદાહ આપ્યો, જ્યારે હેમાંશીબેન સરવૈયાને તેમના દિયર સ્મિત સરવૈયા અને મિતુલ સાકરીયાને પિતા અશોકભાઈએ અગ્નિદાહ આપ્યો.
ગોંડલના વિજયનગરમાં રહેતા અતુલભાઈ મકવાણા ભંડારિયા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવારજનો પરત ફરી રહ્યા હતા. શરૂઆતમાં અતુલભાઈએ તેમની પુત્રી હેતવી અને ભાણેજ મિતુલને બાઈક પર બેસાડ્યા હતા. પરંતુ ભારે ગરમીને કારણે બંને બાળકોને કારમાં બેસાડવામાં આવ્યા હતા.
દરમિયાન રાજકોટ-ભાવનગર હાઇવે પરના સરધાર-ભાડલા રોડ પર તેમની અલ્ટો કાર પહોંચતા સામેથી આવી રહેલી હોન્ડા સિટી અને અલ્ટો કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને બંને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.