રાજકોટમાં હાલ તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી આસપાસ રહે છે, આકરી ગરમીથી લોકો પણ અકળાયા છે ત્યારે સોમવારે રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સતત બીજે દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એકબાજુ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજીબાજુ સોમવારે શહેરમાં વહેલી સવારે ભારે ધુમ્મસનું વાતાવરણ છવાતાં લોકો પણ અચરજમાં મુકાયા હતા. હવામાન વિભાગે મંગળવારથી બે-ત્રણ દિવસ દરમિયાન તપામાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે.
આવનારા 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી રહેશે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. રાજકોટમાં સોમવારે વહેલી સવારે ભરઉનાળામાં ધુમ્મસ છવાતા સવારે આહલાદક વાતાવરણ છવાઈ ગયું હતું. સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં અમરેલીમાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 38.5 ડિગ્રી, દ્વારકામાં 31.4 ડિગ્રી, જામનગરમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 35.5 અને વેરાવળમાં 31.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજકોટમાં રવિવારે પણ 41.7 ડિગ્રી તપામાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે સોમવારે 42 ડિગ્રી તાપમાન નોંધાતા સતત બીજે દિવસે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેરબન્યું હતું.