જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના શખ્સે તેના મિત્ર પાસેથી પ્રસંગમાં પહેરવા માટે ૩ તોલાનો સોનાનો ચેઇન લઈ જઈ પરત ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. નોંધનીય છે કે મિત્ર દાવે આપવામાં આવેલા ચેનના બદલે વાયદાઓ જ મળવા લાગતાં મિત્રના પિતાને ફરિયાદ કરતાં તેમણે સામી ફૂંક મારી કે તમે ચેન આપ્યો જ શું કામ? હવે તમે જાણો અને દીકરો જાણે. આમ છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મોટા ગુંદાળા ગામે રહેતાં પરસોતમભાઈ કોટડીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દીકરાના ખાસ મિત્ર ભાવીન ઉર્ફે બન્ની ગોરધન ગજેરાએ જણાવ્યું હતુ કે, તેને એક પ્રસંગમાં જવાનું હોવાથી સોનાનો ચેઇન પહેરવા માટે આપો, પ્રસંગમાંથી આવીને તમને આપી દઈશ. તેમ કહેતા ત્રણ તોલાનો સોનાનો ચેન પહેરવા માટે આપ્યો હતો, પ્રસંગ પૂરો થઇ જવા છતાં ચેન પરત ન આવતાં તેમની પાસેથી ચેન પાછો માંગ્યો તો એવો જવાબ મળ્યો કે થોડા દિવસ પછી આપી દઇશ, બાદમાં એવો જવાબ મળ્યો કે મારે પૈસાની જરૂર હતી આથી તેના પર ગોલ્ડ લોન કરાવી છે. એ ભરીને તમને ચેન આપી દઇશ. આમ વાયદા પર વાયદા કરીને એકાદ વર્ષનો સમય કાઢી નાખતાં ફરિયાદીએ બન્નીના પિતાને સોનાના ચેનની વાત કરતા તેમણે સામો જવાબ આપ્યો હતો કે તમે ચેન આપ્યો જ શું કામ? મારા દીકરાને આ ચેન આપવાની જ જરૂર ન હતી.
હવે તમે જાણો અને બન્ની જાણે તેમ કહીને તેમના પિતાએ પણ હાથ ઉંચા કરી દેતાં ફરિયાદીને શંકા તો પડી જ હતી તેમ છતાં બન્ની પાસે ચેનની ઉઘરાણી કરાતાં તેણે બે ચેક આપ્યા અને તે પણ બાઉન્સ થયા હતા. આથી ફરિયાદીએ બન્ની સામે છેતરપિંડીની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.