રશિયાની સેનાએ કહ્યું છે કે તેણે દેશના પશ્ચિમી કુર્સ્ક ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ પાછું મેળવી લીધું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના તમામ પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.
રશિયાના ટોપ લશ્કરી કમાન્ડર, વાલેરી ગેરાસિમોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોના નિયંત્રણ હેઠળ બાકી રહેલું છેલ્લું ગામ હવે ફરીથી કબજે કરી લેવામાં આવ્યું છે. આ આઠ મહિના પહેલા યુક્રેનના અચાનક હુમલા પછી આ ઘટના બની છે.
ગેરાસિમોવે એવો પણ દાવો કર્યો હતો કે કુર્સ્ક ક્ષેત્રમાં 76,000થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી.
યુક્રેને આ દાવાને નકારી કાઢ્યો છે. યુક્રેન કહે છે કે તેના સૈનિકો હજુ પણ રશિયન સરહદી વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે, અને તેણે મોસ્કોના દાવાઓને પ્રોપેગેન્ડા ગણાવ્યો છે.