રાજ્યમાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 93 હજાર બેઠકોમાંથી 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. સાથે ફક્ત દસ્તાવેજ પર જ ગરીબ દેખાતા વાલીઓને RTE હેઠળ પ્રવેશ ન મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલોને ખાસ સૂચનાઓ આપી હતી.
પ્રથમ રાઉન્ડમાં 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો સુરતના 991 ખાનગી સ્કૂલોમાં ધો.1 માટે કુલ 15,229 બેઠક ઉપલબ્ધ છે, જેમાંથી 13,295 બાળકોએ પ્રવેશ ફળવાવ્યો છે. એટલે કે, 1,934 બેઠકો હજુ ખાલી છે. આ વર્ષે કુલ 30,911 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 25,099 ફોર્મ મંજૂર થયા છે અને 6,371 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જ્યારે, અમદાવાદમાં 14600 બેઠકો અંતર્ગત 14,088 બેઠકો પર પ્રવેશ ફાળવ્યો છે. શહેરમાં કુલ 14,600 બેઠકો માટે 36 હજાર જેટલા ફોર્મ ભરાયા હતા. વડોદરામાં પણ 11,668 ફોર્મ ભરાયા હતા. કુલ 4800 જગ્યાઓ ફાળવવામાં આવી હતી જેમાંથી 4782 વિદ્યાર્થીઓને એડમિશન માટે એડમિટ કાર્ડ અપાયા છે.
1 બેઠક માટે સરેરાશ 7 બાળકો વચ્ચે સ્પર્ધા સુરતમાં આ વર્ષે 1 બેઠક માટે સરેરાશ 7 બાળકો વચ્ચે સ્પર્ધા થવાની છે. RTE હેઠળ ગરીબ અને વંચિત વર્ગના બાળકોને ધો.1થી ધો.8 સુધી મફત અભ્યાસની તક મળે છે, સાથે વાલીઓને યુનિફોર્મ અને સ્ટેશનરી માટે દર વર્ષે રૂ. 3,000 સહાય પણ આપવામાં આવે છે. ગત વર્ષ સાથે સરખાવીએ તો, 2024માં 9,713 બેઠકો સામે 37,123 ફોર્મ ભરાયા હતા અને 27,821 ફોર્મ એપ્રુઅલ થયા હતા. પ્રથમ રાઉન્ડમાં ત્યારે 8,196 બાળકોને પ્રવેશ ફળવાયો હતો. આમ, આ વર્ષે ફોર્મ ભરવામાં 16.73 % અને એપ્રુઅલમાં 7.84 %નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ બેઠકોમાં 57 %નો અને વાર્ષિક આવક મર્યાદામાં 300 %નો વધારો નોંધાયો છે. અગાઉ આવક મર્યાદા રૂ. 1.50 લાખ હતી, જે હવે રૂ. 6 લાખ કરવામાં આવી છે.