ઇઝરાયેલના સૌથી વ્યસ્ત એરપોર્ટ બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. આ હુમલાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139ને અબુ ધાબી ડાયવર્ટ કરવી પડી.
હુમલા સમયે વિમાનની લેન્ડિંગમાં માત્ર એક કલાક બાકી હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 મુજબ, વિમાન તે સમયે જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં હતું. રિપોર્ટ્સ મુજબ વિમાનમાં લગભગ 300 લોકો સવાર હતા.
એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ફ્લાઇટે અબુ ધાબીમાં સુરક્ષિત લેન્ડિંગ કરી છે અને તેને જલ્દીથી દિલ્હી પરત લાવવામાં આવશે.
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જે મુસાફરોએ 3થી 6 મે 2025 વચ્ચેની ફ્લાઇટ્સ માટે ટિકિટ બુક કરી છે, તેમને તેમની ટિકિટ એક વખત બદલવાની સુવિધા અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવશે.