કેલિફોર્નિયાના સાન ડિઆગોમાં કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લેનારા અભિષેક જાધવને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અભિષેકે કહ્યું કે, “મને આશા હતી કે પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ પસંદગીની કંપનીમાં નોકરી મળી જશે. હવે મારો એક જ હેતુ છે. અભ્યાસ પૂર્ણ થતા પહેલા નોકરી શોધી લેવી. જાધવની માફક અનેક પ્રવાસી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ પણ મુશ્કેલીથી મળી રહી છે. તેમણે કહ્યું કે “ગત વર્ષની બેચમાં આ મુશ્કેલી ન હતી. હું નોકરી કરવા માટે ભારત પણ જઇ ન શકું, કારણ કે ત્યાં જેટલું વેતન મળશે, તેમાં તો એજ્યુકેશન લોનની ચૂકવણી કરવામાં પણ અનેક વર્ષ થઇ જશે. જાધવે અમેરિકામાં અભ્યાસ માટે વારસાઇ મિલકત ગિરવે રાખીને લોન લીધી છે.
જાધવ અમેરિકામાં જે સમસ્યા સામે ઝઝુમી રહ્યાં છે, તેવી જ સ્થિતિ ભારતીય વિદ્યાર્થીઓની પણ છે. મોટા પાયે ભરતી માટે કોલેજ કેમ્પસ આવતી સ્થાનિક આઇટી કંપનીઓ આ વખતે ભરતી માટે આવી રહી નથી. એન્જિનિયરિંગની ચોથા વર્ષના વિદ્યાર્થી પારસ ખિલોસિયાએ જણાવ્યું કે “અમારા પ્લેસમેન્ટ સેલે કહ્યું છે કે જે પણ નોકરી મળે, લઇ લો. તેમણે કહ્યું કે સામાન્યપણે પ્લેસમેન્ટ ઑક્ટોબર-નવેમ્બરમાં પૂર્ણ થઇ જતું હતું, પરંતુ આ વખતે પ્લેસમેન્ટ આગામી વર્ષના પહેલા ક્વાર્ટર સુધી ધકેલાઇ શકે છે. ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓ આ વર્ષે કેમ્પસમાં આવી નથી. એક વિદ્યાર્થીનીએ કહ્યું કે “અમે એવા સ્થળે નોકરી મળે એવી પ્રાર્થના કરીએ છીએ જ્યાં વાર્ષિક ઓછામાં ઓછું 5-6 લાખ રૂપિયા વેતન મળે. મે 20 સ્થળોએ અરજી કરી છે, પરંતુ ક્યાંય નોકરી મળી નથી.