રવિવારે થાઈલેન્ડમાં રમાઈ રહેલી પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા. આ સિવાય ભારતીય ખેલાડીઓએ ત્રણ સિલ્વર મેડલ પણ જીત્યા હતા. સુહાસ યથિરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણ નાગરે પુરૂષ સિંગલ્સની પોતપોતાની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ મનીષા રામદાસે વુમન્સ સિંગલ્સની પોતાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ડબલ્સ મેચમાં બે સિલ્વર મેળવ્યા.
સુહાસે પ્રથમ વખત અને પ્રમોદે ત્રીજી વખત વિશ્વ ખિતાબ જીત્યો
ટોક્યો પેરાલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી સુહાસ યથિરાજે પુરુષોની SL-4 કેટેગરીની ફાઈનલમાં ઇન્ડોનેશિયાના ફ્રેડી સેટિયાવાનને 21-18, 21-18થી હરાવીને પોતાનું પ્રથમ વિશ્વ ખિતાબ જીત્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રમોદ ભગતે પુરુષોની Ace-3 વર્ગની ફાઈનલમાં ઇંગ્લેન્ડના ડેનિયલ બેથેલને 14-21, 21-15, 21-14થી હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા પ્રમોદે 2015 અને 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ કૃષ્ણા નાગરે મેળવ્યો હતો. તેણે SH-6 કેટેગરીની ફાઈનલમાં ચીનની લિન નીલીને 22-20, 22-20થી હરાવ્યું.
મનીષા રામદાસને સિલ્વર મળ્યો
મનીષા રામદાસને વિમેન્સ સિંગલ્સની SU-5 કેટેગરીની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણીને ચીનની યાંગ જિયા જિયાએ 21-16, 21-16થી હાર આપી હતી. મનીષાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.