ઓપરેશન સિંદૂર પછી 'બહિષ્કાર તુર્કી'ની હાકલ વચ્ચે, ભારત સરકારે સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના આદેશ અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ તુર્કી કંપની હવે ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરી શકશે નહીં.
સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા એ તુર્કીના સેલેબી ગ્રુપનો ભાગ છે. તે મુંબઈ, દિલ્હી, કોચી, કન્નુર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ અને ચેન્નાઈ એમ 9 મુખ્ય ભારતીય એરપોર્ટને સેવા આપતું હતું.
અહીં, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ચીની કંપની ડ્રેગનપાસ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે. આ પ્લેટફોર્મ પર એરપોર્ટ લાઉન્જ એક્સેસ સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી.
કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ આપી કે ડ્રેગનપાસ ગ્રાહકોને હવે અદાણી-સંચાલિત એરપોર્ટ પર લાઉન્જની ઍક્સેસ રહેશે નહીં.
હાલમાં ભારતમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને મદદ કરવા બદલ અઝરબૈજાન, ચીન અને તુર્કીની કંપનીઓ અને ઉત્પાદનો સામે વિરોધ ચાલી રહ્યો છે.