રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. સિદ્ધિ વિનાયકધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં માત્ર 50 કિલો વજનનાં વડીલ 19 લાડવા અને બહેનોમાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા. આ લાડુ સ્પર્ધામાં 35થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. ભાજપ દ્વારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને આવતીકાલે ભાઈઓ-બહેનોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજતા બનનારને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
રાજકોટ ભાજપનાં સિદ્ધિ વિનાયકધામમાં યોજાયેલી લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં સરપદળ ગામના 69 વર્ષીય ગોવિંદભાઇ લુણાગરિયા 30 મિનિટમાં 19 લાડવા આરોગી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે જડેશ્વર નજીક જીવાપર ગામનાં 45 વર્ષીય અશોકભાઈ રંગાણીએ 14.5 લાડવા જમીને બીજો ક્રમ મેળવ્યો હતો. તેમજ મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો. બહેનોમાં રાજકોટનાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવે 10 લાડવા આરોગી પ્રથમ ક્રમ, 18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો.