રાજ્યનું સૌથી મોટુ મેગા ડિમોલેશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી મારફતે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર 8,500થી વધુ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મકાનોના બાંધકામનો કાટમાળ હજારોની ટનમાં એકત્રિત થયો છે. ચંડોળા તળાવનો કાટમાળ રિયુઝ થઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો CND( કન્સ્ટ્રકશન વેસ્ટ) વેસ્ટ પ્લાન્ટ ચાલી રહ્યો છે તેમાં આ લઈ જવામાં આવે છે. આ કાટમાળમાંથી પેવર બ્લોક, બેન્ચ, સિમેન્ટ બ્લોક અને અન્ય ચીજ વસ્તુઓ બનાવી રિસાયકલ કરવામાં આવશે. કેટલોક કાટમાળ આગામી ચોમાસા દરમિયાન ખાડા પુરવા માટે પણ આ ઉપયોગ કરવામાં આવશે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, શહેરના ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં હજારો ટન કન્સ્ટ્રક્શન વેસ્ટનો કાટમાળ એકત્રિત થયો છે. આ કાટમાળ ખસેડવાની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 4,000થી વધુ નાના-મોટા કાચા-પાકા મકાનોને તોડવામાં આવ્યા હતા. જેના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત 15000 ટનથી વધુ કાટમાળ અત્યારે ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાંથી જે કાટમાળ એકત્રિત થયો છે તે તમામને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. જેમાં મોટાભાગનો કન્સ્ટ્રક્શન વેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સીએનડી વેસ્ટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે જેમાં એજન્સી દ્વારા પેવર બ્લોક અને બેન્ચ સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેમાં મોકલવામાં આવી રહ્યો છે.