ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ પર બનેલા પુલ તૂટતા અત્યાર સુધી દસથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચોમાસાના ત્રણ મહિનામાં કુમાઉ ક્ષેત્રની ચાર નદી ગોલા, શારદા, દાપકા અને કોશીમાં રેત ખનનને મંજૂરી આપી છે. ખરેખર રાજ્યમાં વર્ષના નવ મહિના જ રેત ખનન થાય છે. આ વખતે આશરે રૂ. 130 કરોડની આવક મેળવવા આ મંજૂરી અપાઈ છે. ચોમાસામાં રેત ખનનથી નદીઓનો માર્ગ બદલાઈને નુકસાનની આશંકા રહે છે. આ ચારેય નદીના કિનારે વસેલા હલદ્વાની અને અલમોડા જેવાં શહેરો સહિત આશરે 12 લાખની વસતી પર પૂરનો ખતરો સર્જાયો છે. હકીકતમાં આ નદીઓમાં ચોમાસામાં રેતી ખનનની મંજૂરી આપવા ઉતાવળમાં કાર્યવાહી કરાઈ હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હાલમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસે ખનનની મંજૂરી આગામી દસ વર્ષ માટે વધારી લેવડાવી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી કાર્યાલયે નિવેદન આપ્યું હતું કે રેત ખનનની મંજૂરી માંગવાનું કારણ એ હતું કે રાજ્યમાં અનેક નિર્માણકાર્યો ચાલે છે. તેના માટે રેતીની જરૂર છે. આ ઉપરાંત નદીઓમાં ખનન ઉદ્યોગમાં આશરે 50 હજાર સ્થાનિકો જોડાયેલા છે. ચોમાસામાં ખનન રોકવાથી આ બધા નિર્માણકાર્યોને અસર થાત.