રાજકોટની મામલતદાર કચેરીએ અરજદારો વિધવા સહાય, સિનિયર સિટીઝન કાર્ડ, રેશનકાર્ડની કામગીરી માટે તો મહાનગરપાલિકામાં નવું આધારકાર્ડ, તેમાં સુધારા-વધારા કરવા, જન્મ-મરણના દાખલા કઢાવવા આવે છે, પરંતુ અહીં આવતા અરજદારો માટે પૂરતી સુવિધા નહિ હોવાને કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવ્ય ભાસ્કરની ટીમ મંગળવારે પશ્ચિમ- દક્ષિણ મામલતદાર કચેરી અને મહાનગરપાલિકાની ઓફિસે પહોંચી હતી. જ્યાં અરજદારોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેઓની વ્યથા આ તસવીર રજૂ કરે છે.
કિંજલ મેર નામની વિદ્યાર્થિનીને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેને આગળના અભ્યાસ માટે નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ કઢાવવું જરૂરી હતું. આ દીકરી તેના પિતા સાથે મામલતદાર કચેરી સુધી આવી. ગ્રાઉન્ડથી પિતા દીકરીને તેડીને કચેરીમાં લાવ્યા અને તેને ખુરશી પર બેસાડી. ફોર્મ ભરીને દસ્તાવેજ ચેક કરાવવાની લાઈનમાં ઊભા રહ્યા. ત્યાંથી ફોટો પડાવવાની બારીએ પહોંચ્યા. આમ અરજદાર વિદ્યાર્થિનીને પગમાં ફ્રેક્ચર થયું હોવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સિનિયર સિટીઝન માટે બેસવાની કોઈ જ વ્યવસ્થા હતી નહિ, ફિંગરપ્રિન્ટ આપવા આવેલા વૃદ્ધા થાકીને નીચે જ બેસી ગયા
એક મહિલા અરજદાર પોતાના પરિવારના સભ્ય સાથે આવ્યા હતા. તેઓના ફોટા અને ફિંગરપ્રિન્ટ લેવાની પ્રોસેસ કરવાની હતી. મહિલા અરજદારની ઉંમર મોટી હતી. ઉપરથી ગરમીને કારણે તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યાં આ કામગીરી થતી હતી ત્યાં અન્ય અરજદારોની લાંબી લાઈન હતી અને સિનિયર સિટીઝન માટે કોઈ અલગથી વ્યવસ્થા હતી નહીં. આથી તેઓ નીચે જ બેસી ગયા હતા. તેઓને નીચે બેસવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.