ભારત અને હોંગકોંગ વચ્ચે એશિયા કપમાં બુધવાર રાતે 7.30 વાગ્યાથી મેચ રમાશે. ભારતીય ટીમ છેલ્લા અમુક સમયમાં ઘણી મેચો રમી છે, જ્યારે હોંગકોંગની સ્થિતિ જુદી છે. ટીમે 1 જૂને પ્રવાસનો પ્રારંભ કરતા પહેલા 800 દિવસ સુધી કોઈ મેચ રમી નહોતી. આ દરમિયાન તે ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન અને વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરથી ચૂકી ગયા. હોંગકોંગના કોચ ટ્રેન્ટ જોન્સ્ટન છે. જે આયર્લેન્ડના કેપ્ટન રહી ચૂક્યા છે.
48 વર્ષીય જૉન્સ્ટને કહ્યું કે,‘કોઈપણ ટૂર પહેલા અમે મોટાભાગનો સમય મેદાનથી દૂર હોઈએ છીએ. ક્રિકેટ રમ્યા વિના 800 દિવસ પસાર કરવા નિરાશાજનક છે. ઝૂમ પર ટ્રેનિંગ સેશન થતા. હોંગકોંગમાં એપાર્ટમેન્ટ મોટા નથી. ખેલાડીઓ કાર પાર્કિંગ, બેઝમેન્ટ જેવા સ્થળે ટ્રેનિંગ કરતા. જોકે તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી. હોંગકોંગમાં 3 મેદાન છે, 2 ખાનગી તથા એક સરકારી. લૉકડાઉનમાં તો રમવા પર પ્રતિબંધ હતો. પરંતુ ખેલાડીઓ મહેનત કરતા રહ્યાં. હું હંમેશા તેમને પડકારજનક ટાસ્ક આપતો રહું છું.
છેલ્લા 3 મહિનામાં અમે સારું ક્રિકેટ રમ્યા છીએ. સારી વાત એ છે કે, ન રમવા છતાં ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને વેતન ચૂકવ્યું છે.’ હોંગકોંગની ટીમમાં સામેલ અમુક ખેલાડી ડ્રાઈવર્સ છે, અમુક પ્રોફેશનલ ક્રિકેટર્સ તથા અમુક વિદ્યાર્થીઓ પણ છે. અત્યારસુધી 12 ખેલાડીઓ સાથે કરાર કરાયો છે. એશિયા કપમાં ક્વોલિફાઈ થવાથી ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન ન મેળવી શકવાની ખોટ પૂરી શકાય નહીં. પરંતુ કોચ ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. તેમણે કહ્યું કે,ખેલાડીઓ માટે 3 મહિના પરિવારથી દૂર રહેવું મુશ્કેલ રહ્યું. જો તેઓ 3 દિવસમાં વર્લ્ડ નંબર-1 અને વર્લ્ડ નંબર-3 વિરુદ્ધ રમી રહ્યાં છે તો આ તેમની માટે ઘણી મોટી વાત છે.