કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. અમદાવાદમાં સાત કેસ નોંધાતા ગુજરાતમાં આગામી દિવસોમાં કોરોનાના કેસ વધવાની શંકા સેવાઇ રહી છે ત્યારે આવનારી સ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર અગાઉથી સજ્જ થયું છે. કોરોના માટે 20 બેડનો ખાસ આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયા અને મીડિયા કો-ઓર્ડિનેટર ડો.મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસ જોવા મળ્યા છે. રાજકોટમાં હાલમાં એકેય કેસ નથી, પરંતુ કોરોના ફેલાય તો દર્દીઓ હેરાન ન થાય તે માટે સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારથી જ 20 બેડનો આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામં આવ્યો છે. કોરોનાનો કેસ નોંધાય અને દર્દીને દાખલ કરવાની વેળા આવે તો તે માટે જરૂરી પીપીઇ કિટ, વેન્ટિલેટર, ઓક્સિજન, માસ્ક અને દવાનો પૂરતો જથ્થો રખાયો છે.
ડો.ચાવડાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષથી કેથલેબ તૈયાર છે, પરંતુ કાર્ડિયોલોજિસ્ટ અને એનેસ્થેટિક તબીબ હાલમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ નહીં હોવાથી તે શરૂ કરવામાં આવી નથી, ઉપરોક્ત પોસ્ટ પર નિમણૂક કરવા માટે જરૂરી તમામ પ્રક્રિયા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે અને રાજ્ય સરકાર પર આ પોસ્ટ પર વહેલી તકે નિમણૂક આપશે એટલે કેથલેબ શરૂ થઇ જશે.