યાત્રીઓને ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ આપવા માટે રેલવે પ્રશાસન સતત એલએચબી (લિંક હોફમેન બોશ) કોચવાળી ટ્રેનોની ઝડપ વધારવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ મુખ્યાલયથી મળેલા મહત્વપૂર્ણ આદેશમાં જણાવાયું છે કે હાલ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે એલએચબી ટ્રેનો ચલાવવાની મંજૂરી સાત ટ્રેનોને આપી શકાતી નથી. જેનું મુખ્ય કારણ છે - અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનના સંબંધિત સ્ટેશનો પર પ્લેટફોર્મની લંબાઈ ઓછી છે. બાંદ્રા - ભુજ, બાંદ્રા - ગાંધીધામ, બાંદ્રા - ભાવનગર સહિત 23-23 કોચવાળી આ સાત ટ્રેનોને રાજધાની એક્સપ્રેસની જેમ 130 કિમી પ્રતિ કલાકની સેમી હાઈ સ્પીડથી દોડાવવાની યોજના હતી, પરંતુ રેલવેના આ પ્રસ્તાવની તપાસ બાદ જાણવા મળ્યું કે આ સાતેય ટ્રેનોના માર્ગમાં પ્લેટફોર્મની લંબાઈ માનકો મુજબ નથી, જેના કારણે આ ટ્રેનોને ઝડપી ગતિથી દોડાવવી હાલ સુરક્ષિત નથી.