વડોદરા જિલ્લાના ડભોઇમાં ખેડાવાડ ફળિયામાં બે ટોળા વચ્ચે માહોલ ગરમાયો હોવાની વિગતો સામે આવી છે. આ ફળિયાનો યુવાન બે દિવસથી લાપતા થતાં માહોલ ગરમાયો છે. આ મામલે બે દિવસ અગાઉ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે. આ બાબતને લઇ બે ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી છે. જોકે, પોલીસની ટીમો તાત્કાલિક પહોંચતા આ વિસ્તામાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને હાલમાં સ્થિતિ કાબુમાં છે.
બે જૂથના ટોળા વચ્ચે ઘર્ષણ
પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈના ખેડાવાડ ફળિયામાં રહેતો યુવક બે દિવસથી ગુમ છે. આ સાથે જાણવા મળતી માહિતી મુજબ એક યુવતી પણ સાથે ગઈ હતી અને બાદમાં સવારે પરત આવી ગઈ હતી. બાદમાં આ યુવક ન મળતા આખરે ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ બનાવને લઇ ગઈ સાંજે અચાનક બે જૂથ સામસામે આવી જતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી. આ મામલે ડીવાયએસપી, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે વડોદરા ગ્રામ્ય LCB સહિતની ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ટોળાને વિખેરિયા હતા. ડભોઈનું ખેડાવાળ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે અફવાઓથી દૂર રેહવા અપીલ કરી હતી અને હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.