લોકશાહીના અવસર સમા વિધાનસભા સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પેઈડ ન્યૂઝના નિરીક્ષણ અર્થે એમ.સી.એસ.સી. મીડિયા કંટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે આજરોજ 73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ MCMC મીડિયા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.
આ તકે જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ મીડિયા કંટ્રોલ રૂમ દ્વારા રાજકોટ જિલ્લાના ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરાતી પ્રચાર પ્રસાર તથા પેઈડ ન્યુઝ સંબંધી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી. ઉપરાંત અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે પેઈડ ન્યૂઝ અંગેના નિયત ફોર્મ વિશે જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાને માહિતી પૂરી પાડી હતી. તેમજ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં સ્ટાફ સાથે પેઈડ ન્યૂઝ મોનીટરીંગ અંગે તલસ્પર્શી ચર્ચા કરી હતી.