ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડવાથી દેશની નિકાસ પર કોઇ અસર નહીં થાય તેવું એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (EEPC)એ જણાવ્યું હતું. દેશની કેનેડા ખાતેની નિકાસ વર્ષ 2022-23 દરમિયાન $4.1 અબજ નોંધાઇ હતી. નિકાસની વસ્તુઓમાં ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ અને મશિનરી સામેલ છે, જ્યારે $4.06 અબજની આયાતમાં કઠોળ, પેપર તેમજ માઇનિંગ પ્રોડક્ટ્સ સામેલ છે.
EEPCના ચેરમેન અરુણ કુમાર ગરોડિયાએ જણાવ્યું હતું કે અમે નથી માનતા કે કેનેડા સાથે વણસેલા સંબંધોથી આપણી નિકાસ અથવા વેપાર પર કોઇ અસર થશે, જેનું કારણ લાંબા સમયથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો છે. અત્યાર જોવા મળી રહેલો તણાવ માત્ર થોડાક સમય માટે જ છે અને તેનું ટૂંક સમયમાં નિરાકરણ પણ આવશે. ટૂંક સમયમાં રાજદ્વારી વિવાદ દૂર થશે અને દેશની કેનેડા ખાતેની નિકાસમાં સતત વધારો યથાવત્ રહેશે.