રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગશાખાએ ગેરકાયદે બાંધકામો દૂર કરવા ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભાગરૂપે શુક્રવારે વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં અંબિકા ટાઉનશિપ મુખ્ય માર્ગ-3 કોર્નર, વસંત વાટિકામાં પ્રમુખના ગેરકાયદે બાંધકામો દૂર કરવા નોટિસ આપ્યા બાદ દૂર ન થતા શુક્રવારે ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયરની યાદીમાં જણાવ્યા અનુસાર અંબિકા ટાઉનશિપ મુખ્ય માર્ગ-3માં વસંત વાટિકાના પ્રમુખે રહેણાકમાં વાણિજ્ય હેતુનું ગેરકાયદે બાંધકામ ખડકી દીધાની ફરિયાદ મળતા ટી.પી.શાખાએ તપાસ હાથ ધરી હતી અને બાદમાં 260(1) મુજબ ગેરકાયદે બાંધકામ સ્વૈચ્છાએ દૂર કરવા નોટિસ આપી હતી. ત્યારબાદ પણ ગેરકાયદે બાંધકામ દૂર ન થતા 260(2) મુજબની ડિમોલિશન માટેની નોટિસ આપી હતી. આમ છતાં પ્રમુખે ગેરકાયદે વાણિજ્ય હેતુનું બાંધકામ દૂર ન કરતા શુક્રવારે બાંધકામ તોડી પાડયું હતું.
આ ડિમોલિશનની કાર્યવાહીમાં મહાનગરપાલિકાના ટી.પી.શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની વિભાગ, ફાયર વિભાગ, પીજીવીસીએલ, ગુજરાત ગેસ તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે વિજિલન્સ પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો.