21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા તેમાં કહીશ કે, આ યાત્રામાં કોઈ પણ જોડાઇ શકે છે, તેમના પર કોઈ પ્રતિબંધ રાખી ન શકાય. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા મુદ્દા લાવે છે.
રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, 21 નવેમ્બરે રાજકોટ અને મહુવામાં રાહુલ ગાંધી સભા કરશે. એક બાદ એક 22 પેપર લીક થયા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી સહિત પૂરેપૂરી સરકાર બદલવી પડી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં 70 લોકો ઝેરી દારૂ પીને મર્યા છે. ગુજરાતમાં એક પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. મોરબીની ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. સીટીનું ગઠન કરીને મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં નીકળ્યા હતા. 2000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારી છે.