શહેરમાં સોમવારે સાંજે એક વીડિયો ફરતો થયો હતો, જેમાં એક મહિલા બીજા માળેથી પોતાના માસૂમ પુત્રને ફેંકવાનો પ્રયાસ કરી રહી હતી અને આ ઘટના ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટર્સની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ચર્ચા મુજબ ગોકુલધામ ક્વાર્ટર્સના બીજા માળેથી એક મહિલાએ પોતાના પુત્રને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો તે વખતે જ કોઇ જાગૃત નાગરિક ત્યાં દોડી ગયો હતો અને તેણે મહિલાના હાથમાંથી બાળકને આંચકી લઇ બાળકનો જીવ બચાવ્યો હતો. પુત્રને ફેંકવા માટે મહિલાએ તે વ્યક્તિ સાથે ઝપાઝપી પણ કરી હતી અને મહિલાને કાબૂમાં લેવા તે વ્યક્તિએ મહિલાને એક ફડાકો પણ ઝીંક્યો હતો.
જોકે સદનસીબે તે વ્યક્તિ બાળકનો જીવ બચાવવામાં સફળ થયો હતો. જોકે મહિલા શા માટે પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારવા ઇચ્છતી હતી? તે અંગે કોઇને જાણ નહોતી. આ બાબતે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દેસાઇ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન સુધી આવી કોઇ ફરિયાદ આવી નથી, છતાં વીડિયો નિહાળ્યા બાદ ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે.