રાજકોટ શહેરની સોની બજારમાં થોડા સમય પહેલા રાત્રિના સમયે નાઇટ શિફ્ટમાં કામ કરતા સમયે વેપારીને નીંદર આવી જતા 27 લાખનું સોનુ લઈ એક બંગાળી કારીગર ફરાર થઈ ગયો હોવાની ઘટના બની હતી જે અંગે હજુ સુધી આરોપીની ધરપકડ થવા પામી નથી ત્યારે વધુ એક કારીગર બે સોની વેપારીના 33.58 લાખના દાગીના લઇ ફરાર થઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ શહેરના મોરબી રોડ પર રાજ સ્કૂલની પાછળ શિવધારા સોસાયટી શેરી નં.6માં રહેતા હિતેષભાઈ મનસુખભાઈ મેંદપરા નામના વેપારીએ હાથીખાના મેઈન રોડ સિલ્વર માર્કેટ દુકાન નં.201માં સોનાના તેમજ ચાંદીના દાગીના બનાવી આપતા રામનાથપરાના મૂળ બંગાળના એજાજુલહક શેખ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હિતેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ હાથીખાના મેઈન રોડ પર એનેક્ષી સિલ્વર માર્કેટમાં આસી ગોલ્ડ નામની દુકાન ધરાવી સોના તેમજ ચાંદીના દાગીના બનાવીને આપીએ છીએ. અમને ત્રણ વર્ષ પહેલા આરોપી એજાજુલહક સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ પરિચયમાં આવ્યા બાદ તેઓને સોનાના અને ચાંદીના ઘરેણા બનાવવા સોનુ અને ચાંદી આપતા હતા.