ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ ભાગ્યે જ કોઈના ધ્યાન બહાર રહે એવી ઘટના બને છે. રવિવારે દુબઈમાં બંને ટીમ વચ્ચેનો એશિયા કપનો મુકાબલો પણ એનો અપવાદ નહોતો. ગઈ મેચમાં એકતરફી હાર બાદ પાકિસ્તાન આ વખતે વધુ આક્રમક બનવા માગતું હતું, જોકે આ પગલું ઊલટું પડ્યું, અને ભારતે ફરી એકવાર 6 વિકેટથી સરળતાથી વિજય મેળવ્યો.
પાકિસ્તાનીઓએ ગિલ અને અભિષેકને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો
ભારતીય ઇનિંગ્સ શરૂ થતાંની સાથે જ પાકિસ્તાની ફિલ્ડરોએ સ્લેજિંગ શરૂ કરી દીધું. તેઓ ભારતીય ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલ પર સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. અભિષેક અને ગિલ બંને પંજાબના છે અને પાકિસ્તાની ટીમમાં પંજાબના ઘણા ખેલાડીઓ પણ હતા, તેથી તેઓ અભિષેક અને ગિલને પંજાબીમાં અપશબ્દો પણ કહી રહ્યા હતા.
મેચ પછી અભિષેક શર્માને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, પાકિસ્તાની ખેલાડીઓ કોઈ કારણ વગર મારી સાથે દલીલ કરી રહ્યા હતા, જે મને બિલકુલ ગમ્યું નહીં. મેં તેમની ટિપ્પણીઓનો જવાબ મારા બેટથી આપ્યો. તેમના ખરાબ વર્તનથી મને વધુ સારું રમવાની પ્રેરણા મળી. અભિષેકે 39 બોલમાં 74 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.