વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે આજે રાજકોટની દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા શહેરના હરી ઘવા રોડ પર બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા. અને તેની સાથે કાર્યકરોએ ગેસના બાટલા લઈને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.
રાજકોટ-70 દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિતની ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચતા તેઓ બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને કાર્યકરોએ ગેસનો બાટલો માથે મૂકી પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો વિરોધ કરી પ્રચાર કર્યો હતો.
હિતેશ વોરા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર છે. તેઓ પાટીદાર સમાજનો ચહેરો છે. વર્ષ 1995 થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે જયારે યુવાવસ્થામાં તેઓ યુથ કોંગ્રેસના રાજકોટ જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ રહી ચુક્યા છે. જયારે કોટડાસાંગાણી માર્કેટ યાર્ડના 3 વખત ડિરેક્ટર રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે લેઉવા પાટીદાર સમાજની અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ટ્રસ્ટી રહી ચુક્યા છે.