દિવાળી સમયે સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી છે. સામી દિવાળીએ ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. તહેવાર ટાણે લોકોએ આ સ્થિતિને કારણે ખરીદી પણ ઓછી કરી દીધી છે. ગત વર્ષની સરખામણીમાં 50% જેટલો ઘટાડો ખરીદીમાં જોવા મળ્યો છે. અત્યારથી જ શો-રૂમમાં ગ્રાહકો દેખાતા નથી. ધનતેરસે જ્વેલરી શો-રૂમમાં ગ્રાહકો મોટી સંખ્યામાં તૂટી પડતા હોય છે, પરંતુ આ વખતે વેપારીઓને ચિંતા છે કે, ગ્રાહકો નહીં દેખાય. ત્યારે રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી જ્વેલર્સ શું માને છે અને કેવી ખરીદી રહેશે તેની માહિતી મેળવી હતી.
સોના-ચાંદીના ભાવ અત્યારે તહેવાર ટાણે જ આસમાને પહોંચ્યા છે, આગામી દિવસોમાં હિન્દુ કેલેન્ડર અનુસાર નવું વર્ષ તથા તે પૂર્વે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે. જે દરમિયાન ગુજરાતીઓમાં ખાસ સોના-ચાંદીના ઘરેણા અથવા લગડી ખરીદવાનું મહત્વ છે. દિવાળી પૂર્ણ થતાંની સાથે જ લગ્નસરાની સિઝન શરૂ થશે. જેમાં ઘરેણાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. તે પહેલા જ સોનુ અને ચાંદી અત્યાર સુધીના સૌથી વધુ ભાવ પર રહ્યું છે. એટલે કે સોના-ચાંદીની ચળકટ ભાવને કારણે ઝાંખી પડી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તેમ છતાં અમદાવાદીઓ ભાવ વધે તો વધે પણ તહેવાર ટાણે કે લગ્નસરામાં સોનું-ચાંદી તો ખરીદવું જ પડશે, તેવી માનસિકતા સાથે તહેવાર પૂર્વે સોના-ચાંદીના ઘરેણા અને લગડીની ખરીદી કરી રહ્યા છે.