દેશની પશ્ચિમી સરહદને સ્પર્શતા કચ્છના લખપત તાલુકાના ગામડાંઓમાંથી ધીમા પગલે શરૂ થયેલો પાટીદારોના પલાયનનો દોર હવે એટલી ગંભીર સ્થિતિએ પહોંચ્યો છે કે, રાષ્ટ્રની દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક ગણાતી સરહદ જ વસતી વિહોણી બનવા ભણી છે. પાણીનું બહાનું ધરીને નીકળેલા પાટીદારોએ પરસેવો વહાવીને દેશભરમાં અનેક સ્થળોએ ભારે આર્થિક જમાવટ કરતા હવે તેઓને વતનમાં આવવાનો ખૂબ જ ઓછો સમય મળે છે પરિણામે સન્નાટો અને ખાલીપો મોઢું ફાડી બેઠા છે અને તેથી જ સુરક્ષ એજન્સીઓને હવે સરહદ રેખાની સાથો સાથ ગામોના ગામોની પણ ચિંતા કરવી પડે છે. કચ્છીમાં કહેવત છે ‘સોન્ન’ને વસ્તી ખાય પણ અહીં ચિત્ર પલટાયું છે અને હવે સરહદી ગામોમાં વસ્તીને ‘સોન્ન’ ખાઇ રહ્યો છે.
કચ્છમાં એક સમયે જ્યાં દૈનિક લાખો કોરીઓનો કારોબાર હતો એ લખપત બંદરની જાહોજલાલીના વળતા પાણી થયા અને ધીમેધીમે આખો આખો તાલુકો જ ભૂગર્ભમાં ટીપું પણ પાણી ન હોવાથી ‘નો સોર્સ’ જાહેર થયો. લખપત બંદર સદંતર નામશેષ થઇ ગયું અને વેપાર-ધંધા પડી ભાંગતા માઠી દશા બેઠી તે આજે સદીઓથી અવિરત છે. આઝાદી બાદના આબાદ ગામડાં પણ ધીમેધીમે સુનકારામાં પરાવર્તિત થવા પશ્ચિમી સરહદેથી...મંડતા આખેઆખી પશ્ચિમ સરહદી જ મહેનતકશ એવા મૂળનિવાસીઓ વિહોણી બની ગઇ છે.
ગામેગામ ‘ઘરના ઘર’ ઊભા છે પણ એ નામ માત્રના જ
કડવા પાટીદારો માત્ર શ્રાવણ માસની સાતમ-આઠમે વતનમાં આવતા હોવાથી તે સિવાયના 11 મહિનાનો ગાળો રીતસર ખાવા ધાય છે જે દેશની સુરક્ષાની દ્રષ્ટીએ ઠીક નથી. સેંકડોના સેંકડો પાટીદાર વતનને ‘રામરામ’ કરીને નિકળી જતા પાછળ અનિષ્ટ તત્વોને મોકળું મેદાન મળ્યું છે. વર્ષમાં માંડ એકાદ-બે વાર જ વતન આવતા આ પરિવારોની સ્થાવર મિલકતો અને ખાસ તો ગામેગામ ‘ઘરના ઘર’ ઊભા છે પણ એ નામ માત્રના જ છે.