રાજકોટ શહેરમાં 40 વર્ષના યુવાનને છરીના ઘા મારી હત્યા નિપજાવનાર ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. જ્યારે એક શખ્સને આજીડેમ પોલીસે પકડી પાડ્યો છે. ગઈકાલે રાત્રે શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં યુવાન પોતાની ધર્મની માનેલી બેનના ઘરે હતો, ત્યારે મહિલાના પુત્ર સહિત 4 શખ્સો ત્યાં આવ્યા હતા. આ દરમિયાન માતાને પોતાના પુત્રના યુવતી સાથેના સંબંધો પસંદ ન હોવાથી ઝઘડો થયો હતો. જોકે આ દરમિયાન વચ્ચે પડેલા 40 વર્ષિય યુવાન ભાવેશને ચાર શખ્સોએ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.
ભાવેશ વ્યાસને છરીના ઘા મારી દીધા હતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, તારીખ 4 ઓગસ્ટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા રોડ ઉપર સેલિબ્રેશન પાર્ટી પ્લોટની સામે ભાવેશ વ્યાસને છરીના ઘા મારી દીધા હતા. જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને આજીડેમ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 A, 352,354 તથા GP એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બનાવ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ હત્યા કરનારા ચારેય શખ્સોની શોધખોળમાં હતી. જે બાદ હ્યુમન ઇન્ટેલિજન્ટ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેના નામ છે ધ્રુવીન મુકેશભાઈ દુધરેજીયા, શ્વેતા દિપસિંગભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવતની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આરોપીઓને આજીડેમ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
માતા -પુત્ર વચ્ચે રકઝક અને ઝઘડો થયો હતો આ ત્રણ આરોપીઓ પૈકીના ધ્રુવીન અને શ્વેતા વિરુદ્ધ અગાઉ મારામારી, છરી મારવાના અને ધમકી આપવાના ગુના નોંધાઈ ચુક્યા છે. ધ્રુવીનના માતા વર્ષાબેનને ભાવેશે પોતાના ધર્મની બેન માની હતી. ભાવેશ જ્યારે વર્ષાબેનના ઘરે હતો ત્યારે પુત્ર ધ્રુવીન ત્યાં આવ્યો હતો અને માતા -પુત્ર વચ્ચે રકઝક અને ઝઘડો થયો હતો. આ દરમિયાન ભાવેશ વચ્ચે પડતા તેને ધ્રુવીને છરીના ઘા મારી દીધા હતા. જોકે વધુ એક શખ્સ જૈનિશને ઝડપવાનો બાકી હોવાથી વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે.