Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાઇકોર્ટમાં આજે (13 ઓગસ્ટ, 2025) રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને કન્ટેમ્પ્ટ પર સુનાવણી યોજાઇ હતી. જેમાં શરૂઆતમાં હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન સરકારી વકીલે અમદાવાદમાં ટ્રાફિકને લઈ લીધેલાં પગલાંના આંકડા રજૂ કર્યા હતા.


આ સમયે સરકારી વકીલે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે પોલીસ ટ્રાફિક નિયમોના અમલ રોડ ઉપર કરાવી રહી છે, પણ રાજકીય હેતુથી વિવાદ ઊભો કરવામાં આવે છે. DCP ટ્રાફિકનું કામ ફિલ્ડ પર ટ્રાફિક નિયમનનું નથી છતાં તે કામ કરે છે. આ દરમિયાન ટ્રાફિક નિયમના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે DCPએ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી, પોલિટિકલ લોકોએ મીડિયા બ્રીફ યોજી હતી, જેથી કોર્ટે કહ્યું હતું કે આવા લોકોનું નામ એફિડેવિટ પર આપો, તેમની સુઓમોટો કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરાશે અને ફોજદારી કાર્યવાહી કરાશે. ત્યાર બાદ સરકારી વકીલે પોલિટિકલ એજન્ડાને પોલીસનું મોરલ તોડવાની વાત કહી હતી. કોર્ટને માહિતી આપી કે ટ્રાફિક JCP અને DCP શહેરમાં નિયમિત રાઉન્ડ લે છે.

તાજેતરમાં અમદાવાદ ટ્રાફિક-પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા મહિલાવિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. એની પોલ AAP પોલ ખોલ ટીમ દ્વારા ખોલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે AAPએ એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે IPS સફિન હસનના કહેવા પર ASI દ્વારા માત્ર 20 વર્ષના યુવાન(શુભમ ઠાકર) પર ખોટી રીતે કેસ નોંધાયો છે. TRB જવાનોને કાયદેસર રીતે ન ચાલતા અધિકારો અંગેનો વીડિયો બનાવનાર શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમને શંકા છે કે મહિલાવિરોધી પોસ્ટરોના મુદ્દે સરકારે મુશ્કેલીમાં મુકાતાં પોલ ખોલ ટીમ સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.