Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે, મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ (314 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 9.8 ઈંચ અને કેશોદમાં 9.6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે આલિધ્રા જેવા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઘેડમાં પૂરની પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી એકવાર પૂર આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભારે વરસાદને કારણે નદીના પાળા તૂટ્યા છે, જેના કારણે બામણાસા ઘેડ ગામમાં પાણી ઘૂસી ગયાં છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પાણી ભરાઈ જવાથી આખું ગામ સંપર્કવિહોણું બની ગયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. આ પરિસ્થિતિને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદને કારણે મધુવંતી અને બંધૂકયો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. જિલ્લાના કુલ 18 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં આર.એન.બી. વિભાગના 9 અને પંચાયતના 9 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસ.ટી. બસના 6 રૂટ પણ રદ કરાયા છે. માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.