રાજકોટના સરધાર નજીકથી ક્રેટા કારમાં રાજકોટના બે શખ્સને રૂ. 4.10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. અગાઉ દારૂના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આજી વસાહતના શખ્સને અન્ય એક શખ્સ સાથે માદક પદાર્થની હેરાફેરી કરતી વેળાએ પોલીસે દબોચી લીધો હતો.
એસઓજીની ટીમ દ્વારા માદક પદાર્થની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સૂત્રોમાંથી મળેલી બાતમીને આધારે સફેદ રંગની એક ક્રેટા કાર સરધાર તરફથી રાજકોટ તરફ આવી રહી હોય જેમાં બે શખ્સ પાસે માદક પદાર્થ છે. આ બાતમીના આધારે વોચ રાખી મોડી રાત્રે ટીમ દ્વારા કારને આંતરી લેવામાં આવી હતી.
પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થની હેરફેર કરતાં તેમજ અગાઉ દારૂના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા આજી વસાહતના જગદીશ ભૂપતભાઇ ભોજક (ઉ.વ.25-૨હે. ખોડિયારનગર-33, આજી વસાહત) અને વિજયસિંહ મોહનસિંહ વાઘેલા(ઉ.વ.24, રહે. રેલનગર આસ્થા ચોક પાસે નીલકંઠ પાર્ક-3)ની ધરપકડ કરી હતી. પોલીસે કારની તલાશી દરમિયાન રૂ.4.10 લાખનું 41 ગ્રામ એમડી ડ્રગ્સ મળતાં બંને સામે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
જગદીશ રાજસ્થાના જોધપુર તરફથી આ ડ્રગ્સ લાવ્યાનું અને વિજયસિંહને તેની કાર લઇ સાથે આવવા કહેતાં તે સાથે ગયાનું રટણ બંનેએ કર્યું હતું. આ ડ્રગ્સ કોને આપતો ? તથા ક્યાંથી લાવ્યો ? તે અંગે પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. પીઆઇ સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જગદીશ માદક પદાર્થની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર છે. તેમજ આવા ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને હાલ જેલમાં રહેલા એક નામચીનની સાથે આ શખ્સ કનેક્શન ધરાવતો હોવાની શક્યતા અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.