હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા મળે છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે અને આ વીડિયોને લઈને યુઝર્સમાં ઘણો રોષ ફેલાય છે. વધતા વિવાદને જોઈને હરભજન સિંહે આ વીડિયોને હટાવવાની ફરજ પડે છે. વીડિયોને લઈને કેમ થયો વિવાદ આગળ જાણો...
આ વીડિયોને લઈને ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ અમર કોલોની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની માગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક NGO દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં ખેલાડીઓ પર દિવ્યાંગોની મજાક અને અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં પૂર્ણ થયેલી લિજેન્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે. આ પછી હરભજને ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. આમાં આ ત્રણેય પૂર્વ ક્રિકેટર દિવ્યાંગોની જેમ ચાલી રહ્યા છે. આના પર દિલ્હીમાં દિવ્યાંગો માટે કામ કરતી એક NGOએ ત્રણેય ક્રિકેટરો વિરુદ્ધ અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. NGOએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વીડિયોમાં ત્રણેય ખેલાડીઓ દિવ્યાંગ લોકોનું અપમાન કરતા જોવા મળે છે, તેથી ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.