કચ્છમાં મકરસંક્રાંતિના દિવસે બપોર બાદ પવન વેગે ઠંડી વધતાં રાજ્યના શીતમથક નલિયામાં રાત્રે પારો 1.4 ડિગ્રીએ પહોંચ્યો હતો અને છેલ્લાં 10 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં રેકોર્ડબ્રેક સૌથી નીચું તાપમાન રહ્યું હતું. આ અગાઉ 2012માં નલિયાનો લઘુતમ પારો 0.8 ડિગ્રી રહ્યો હતો. વર્ષ 2023ના પ્રારંભ સાથે જ જાન્યુઆરીમાં નીચા તાપમાનનો રેકોર્ડ આ એક જ મહિનામાં તૂટી ગયો છે અને તાજેતરમાં જ નલિયામાં લઘુત્તમ પારો 2 ડિગ્રી રહ્યા બાદ મકરસંક્રાંતિની રાત્રિએ પારો ગગડીને 1.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેથી લોકો ‘શી પે તો’ (ઠંડી પડે છે) તેમ કહીને આવશ્યક કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાંઠાળ પટ્ટા ઉપરાંત રણ વિસ્તારમાં ઠંડીની અસર વધુ જણાઇ હતી.
હવામાન વિભાગે હજુ બે દિવસ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા દર્શાવી છે અને ત્યારબાદના 3 દિવસમાં ઠારમાંથી આંશિક રાહત થશે અને લઘતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઊંચકાય તેવી વકી છે. નલિયાની આસપાસનો વિસ્તાર ખુલ્લો છે અને નજીકમાં દરિયાકાંઠો છે જેથી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં અહીં લઘુત્તમ તાપમાન વધુ નીચું રહે છે. ભૌગોલિક રીતે ઊંચાણવાળા વિસ્તારના કારણે ઠંડા પવનો સીધા ટકરાય છે, જેથી નલિયામાં હાડ થીજાવતી ઠંડી પડે છે. અબડાસાના તાલુકા મથક નલિયા સાથે આસપાસનાં ગામોનો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી તેમજ તાલુકાના લોકોના વહીવટી કામકાજ માટે સતત અવર-જવર રહે છે પરંતુ ઠંડીના કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નલિયામાં દિવસે મહત્તમ તાપમાન 23.2 ડિગ્રી રહેતાં દુકાનો 9.30થી 10 વાગ્યા બાદ જ ખૂલી હતી અને મોડેથી બજારમાં ચહલ-પહલ જોવા મળી હતી.